પંજાબી સિંગર દલેર મહેંદી ભાજપમાં જોડાયા, માનવ તસ્કરીના કેસમાં છે જામીન પર
પંજાબી ગાયક દલેર મહેંદી ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા.
Trending Photos
નવી દિલ્હી: પંજાબી ગાયક દલેર મહેંદી ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા. આ અગાઉ પંજાબી ગાયક હંસરાજ હંસને પણ ભાજપે દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
અત્રે જણાવવાનું કે થોડા દિવસ અગાઉ પંજાબી સિંગર હંસરાજ હંસ અને અભિનેતા સન્ની દેઓલ પણ ભાજપમાં જોડાયા હતાં. ભાજપે હંસરાજ હંસને ઉત્તર પશ્ચિમ દિલ્હીની બેઠક અને સન્ની દેઓલને પંજાબના ગુરદાસપુરથી ટિકિટ આપી છે. હવે દલેર મહેંદી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. કહેવાય છે કે દલેર મહેંદીને ભાજપ પંજાબની કોઈ બેઠક પરથી મેદાનમાં ઉતારી શકે છે.
દહેર મહેંદીનો જન્મ 18 ઓગસ્ટ 1967ના રોજ બિહારના પટણામાં થયો હતો. બાળપણથી જ ગાવાનો શોખ હતો. 5 વર્ષની ઉંમરમાં જ દલેરે ગાયિકી શીખવાનું શરૂ કરી દીધુ હતું. વર્ષ 1955માં દલેર મહેંદીએ પોતાનો પહેલો મ્યુઝિક આલ્બમ રેકોર્ડ કર્યો. બોલો તા રા રા નામના આ આલ્બમને ખુબ લોકપ્રિયતા મળી હતી. જેણે દલેર મહેંદીને એક ઓળખ અપાવી દીધી. તે સમયે આલ્બમની લગભગ 20 મિલિયન કોપી વેચાઈ હતી. 1998માં દલેર મહેંદીનો વધુ એક આલ્બમ તુનક તુનક રિલિઝ થયો. જેણે દલેર મહેંદીને એક બ્રાન્ડ બનાવી દીધો.
જુઓ LIVE TV
જો કે દલેર મહેંદી અને તેમના ભાઈ શમશેર સિંહને માનવ તસ્કરી કેસમાં બે વર્ષની સજા થયેલી છે. ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાના મામલે તેઓ દોષિત ઠર્યા હતાં. જો કે દલેરને જામીન મળી ગયા હતાં અને હાલ તેઓ જામીન ઉપર જ બહાર છે. મશહૂર ગાયક મીકા સિંહ દલેર મહેંદીના નાના ભાઈ છે. આ ઉપરાંત હંસરાજ હંસ દલેર મહેંદીના વેવાઈ છે. હંસરાજ હંસના પુત્ર નવરાજ હંસ અને દલેર મહેંદીની પુત્રી અવજીત કૌરે વર્ષ 2017માં લગ્ન કર્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે