વધુ એક ચોંકાવનારો સરવે : પેટાચૂંટણીમાં ભાજપનો 3 બેઠકો પર ખેલ બગડી શકે છે

Updated By: Oct 28, 2020, 02:48 PM IST
વધુ એક ચોંકાવનારો સરવે : પેટાચૂંટણીમાં ભાજપનો 3 બેઠકો પર ખેલ બગડી શકે છે
  • ભાજપ દ્વારા કરાયેલા પહેલા સરવેમાં પરિણામ મળ્યું હતું કે, આ પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. 8 માંથી 4 બેઠક પર વર્તમાન પરિસ્થિતિમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડી શકે છે.
  • પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપનો આ બીજો સરવે છે. જેમાં 3 બેઠક પર નબળી સ્થિતિ હોવાનું ખૂલ્યુ છે. આવામાં નબળી બેઠકો પર ભાજપના મોટા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપાઈ છે તેવું જાણવા મળ્યું

બ્રિજેશ દોશી/ગાંધીનગર :પેટાચૂંટણીની 8 બેઠકમાંથી 4 બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડશે તેવો ભાજપનો એક સરવે સામે આવ્યો હતો. ત્યારે હવે ભાજપનો વધુ એક ચોંકાવનારો સરવે સામે આવ્યો છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) મામલે ભાજપે વધુ એક સરવે કર્યો છે. જે મુજબ વિધાનસભા બેઠકોના સરવેમાં 3 બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી હોવાનું કહેવાય છે. ધારી, મોરબી અને કરજણ બેઠક પર ભાજપ (bjp) ની સ્થિતિ નબળી હોવાનું સરવેમાં સામે આવ્યું છે. અગાઉ ચાર બેઠકો પર નબળી સ્થિતિ હોવાનું ખૂલ્યુ હતુ, તો હવે 3 બેઠકો પર પરિસ્થિતિ ખરાબ હોવાનું તારણ સામે આવ્યું છે. 

આ પણ વાંચો : CM રૂપાણીના ઘરેથી આવેલા એક ફોનથી ગરીબ બ્રાહ્મણની જિંદગી બદલાઈ ગઈ

પહેલા સરવેમાં 4 બેઠક પર હારનું તારણ હતું  
ભાજપ દ્વારા કરાયેલા પહેલા સરવેમાં પરિણામ મળ્યું હતું કે, આ પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. 8 માંથી 4 બેઠક પર વર્તમાન પરિસ્થિતિમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડી શકે છે. જેમાં લીંબડી, મોરબી, કરજણ, ધારીમાં ભાજપની હાર થઈ શકે છે. અન્ટી ઇન્કમ્બન્સી સહિત સ્થાનિક મુદ્દા ભાજપને નુકસાન કરી શકે છે. ત્યારે આવા નિરાશાજનક પરિણામ બાદ તમામ બેઠકો પર 15 દિવસ બાદ ફરી સરવે કરાશે તેવું નક્કી કરાયું હતું. જેના બાદ બીજા સરવેમાં કરજણ બેઠક પર પણ કપરી સ્થિતિ હોવાનું ખૂલ્યું છે.  

આ પણ વાંચો : નીતિન પટેલ પર જૂતુ ફેંકનારો ભાજપનો જ પૂર્વ નેતા નીકળ્યો

બીજા સરવે બાદ ભાજપનો એક્શન પ્લાન
અગાઉ ચાર બેઠકો બાદ હવે ત્રણ બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી હોવાનું ખુદ ભાજપના સરવેમાં પરિણામ આવ્યું છે. ભાજપ દ્વારા જ પેટાચૂંટણી પહેલા આ પ્રકારનો સરવે કરાયો છે. તમને જણાવી દઈએ કે, પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપનો આ બીજો સરવે છે. જેમાં 3 બેઠક પર નબળી સ્થિતિ હોવાનું ખૂલ્યુ છે. આવામાં નબળી બેઠકો પર ભાજપના મોટા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપાઈ છે તેવું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નબળી બેઠકો પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પાસેથી પ્રચાર કરાવવામાં આવી રહ્યો છે. ધારી બેઠક પર પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને આ કારણથી જ છેલ્લી ઘડીએ પ્રચારના મેદાનમાં ઉતારાયા હતા. મુખ્યમંત્રીના વિશ્વાસુ ધનસુખ ભંડેરી ધારી વિધાનસભાની જવાબદારી સંભાળી રહ્યાં છે. તો મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ મોરબી બેઠક જીતાડવા પ્રચાર કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કરજણ બેઠકને જીતાડવા સતત કરજણનો પ્રવાસ કરી રહ્યા છે. 

આ પણ વાંચો : ધારીમાં પ્રચાર સમયે ભાજપની સભામાં લોકોએ ચાલતી પકડી, કહ્યું-પક્ષપલટુ નથી જોઈતો