ભરશિયાળે અમદાવાદમાં એપ્રિલ-મે જેવી સ્થિતિ, કોરોના કેસ વધતા હોસ્પિટલોમાં જગ્યા નથી

Updated By: Nov 12, 2020, 11:41 AM IST
ભરશિયાળે અમદાવાદમાં એપ્રિલ-મે જેવી સ્થિતિ, કોરોના કેસ વધતા હોસ્પિટલોમાં જગ્યા નથી
  • તજજ્ઞોના મતે દરેક વાયરસની બે વેવ હોય જ છે, જેમાંથી બીજી વેવ વધુ ઘાતક માનવામાં આવતી હોય છે.
  • હાલ ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસો એપ્રિલ-મે મહિનામાં અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ તરફ ઈશારો કરી રહ્યા છે

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી ચૂક્યા છે. શિયાળામાં કોરોના કેસો (Coronavirus) વધશે તેવી અગાઉ જ આગાહી તબીબી આલમ કરી ચૂક્યું હતું. ત્યારે હાલ શિયાળો હજુ બરોબર જામ્યો નથી, છતાય કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાએ ડોક્ટરો તેમજ તંત્રની ચિંતા વધારી છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં એક દિવસમાં સૌથી વધુ કેસો નોંધાતા હતા, જેમાં ટોપ સ્થાન ફરી એકવાર અમદાવાદે (ahmedabad) લીધું છે. ગઈકાલે સરકારી આંકડા મુજબ સુરતને પાછળ છોડી અમદાવાદમાં સૌથી વધુ 207 પોઝીટીવ કોરોનાના દર્દીઓ (corona case) નોંધાયા હતા.

હાલ ઉભી થયેલી સ્થિતિ મુજબ અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી નામાંકિત હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે બેડ મળવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે. શહેરની નામાંકિત ખાનગી સહિત સરકારી હોસ્પિટલમાં ICU બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાઈ ચૂક્યા છે. ડોક્ટરોના મત મુજબ, હાલ ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસો એપ્રિલ-મે મહિનામાં અમદાવાદમાં થયેલા કોરોના વિસ્ફોટ તરફ ઈશારો કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત ATSની મોટી સફળતા : મુંબઈથી સુરત વેચવા આવેલું 27 કિલોનું MD ડ્રગ્સ પકડાયું

SVP હોસ્પિટલમાં બેડ ફૂલ, દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની સ્થિતિ  

કોરોનાના કેસો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ હજુ એક અઠવાડિયા અગાઉ નિયંત્રણમાં હતા. પરંતુ છેલ્લા 5 દિવસમાં ફરી વધી રહેલા કોરોના કેસોએ કોરોનાનો શિકાર થઈ રહેલા દર્દીઓને ફરી એકવાર સરકારી અને ખાનગી હોસ્પિટલ વચ્ચે સારવાર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. અમદાવાદમાં કોરોના દર્દીઓને સારી સારવાર આપી રહેલી એવી SVP હોસ્પિટલમાં અર્બન હેલ્થ સેન્ટરથી દર્દીઓને સારવાર માટે લેટર લખવામાં આવે છે. પરંતુ SVP કોરોના દર્દીઓથી ભરાઈ ચૂકી છે.. SVP હોસ્પિટલમાં સારવાર માટે જતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાઈ રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને SVP હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે બંધ કરાયેલા વોર્ડ ફરી શરૂ કરવાની ફરજ પડી ચૂકી છે.

આ પણ વાંચો : ધોળાકૂવાની પરંપરા તૂટી, આ વર્ષે નહિ યોજાય માતાજીના ફૂલોના ગરબા

છેલ્લા 5 દિવસમાં 40 ટકા દર્દીઓ વધ્યા

અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલટર સાથેના બેડ લગભગ ભરાઈ ચૂક્યા છે. 5 દિવસ અગાઉ 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં જ્યા માત્ર 250 જેટલા કોરોનાના પોઝિટિવ દર્દીઓ દાખલ હતા, ત્યાં હવે 375 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની વધતી સંખ્યાને જોઈ ડોક્ટરોને ફરી એપ્રિલ-મે મહિનાની પરિસ્થિતિનો આભાસ થઈ રહ્યો છે. ડોક્ટરોના મત મુજબ હાલની સ્થિતિ જો નિયંત્રણમાં ન આવે તો આગામી 5 દિવસમાં અમદાવાદ સિવિલમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં પણ કોરોનાના 800 દર્દીઓ સારવાર હેઠળ હોય તો નવાઈ નહિ. અગાઉ કોરોનાના કેસો વધતા અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની, કેન્સર અને હાર્ટ હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓ માટે વોર્ડ શરૂ કરાયા હતા. પરંતુ કોરોનાના કેસો નિયંત્રણમાં આવતા, ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર શરૂ થતાં સિવિલમાં આવેલી કિડની, કેન્સર અને હાર્ટ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ બંધ કરાયા હતા. પરંતુ જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી 10 દિવસ બાદ કપરી સ્થિતિનું નિર્માણ થવાની આગાહી તબીબો કરી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે બંધ કરાયેલી હોસ્પિટલમાં ફરી એકવાર કોરોનાના દર્દીઓની સારવાર માટે શરૂ કરવાની ફરજ પડી શકે છે.

આ પણ વાંચો : ભાવનગરના યુવા ખેડૂતે સસ્તી ખેતી માટે જુગાડ બાઇકની કરી શોધ

જુદા જુદા તહેવારો નજીક હોવાથી કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાંથી દર્દીઓ સરકારી હોસ્પિટલમાં રિફર કરાઈ રહ્યા હોય તેવી વાતો પણ તબીબોમાં ચર્ચાઈ રહી છે. પીએમ મોદી પણ કોરોનાથી સાવધાન રહી દેશને તહેવારોની ઉજવણીમાં સંયમ જાળવવાની વારંવાર અપીલ કરી ચૂક્યા છે. દિવાળી નજીક આવતા શહેરીજનો લાપરવાહ બન્યા હોય તેવા દ્રશ્યો સતત સામે આવતા રહ્યા છે. શહેરીજનો માસ્ક નહિ પહેરે, સોશિયલ ડિસ્ટનસિંગ નહિ જાળવે તો આગામી 10 દિવસ અમદાવાદીઓને ભારે પડે તો નવાઈ નહિ. વિદેશોમાં કોરોનાની બીજા રાઉન્ડ બાદ પણ જો શહેરીજનો નહિ સમજે તો કોરોનાની બીજો રાઉન્ડ અમદાવાદીઓને ભારે પડી શકે છે. તજજ્ઞોના મતે દરેક વાયરસની બે વેવ હોય જ છે, જેમાંથી બીજી વેવ વધુ ઘાતક માનવામાં આવતી હોય છે.