ECની મોટી કાર્યવાહી, મમતા અને નાયડુના ઓફિસરોની તાબડતોબ બદલી કરી નાખી, ચંદ્રબાબુ ભડક્યા
લોકસભા ચૂંટણી અગાઉ ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે રાતે મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કેટલાક ઓફિસરોની બદલી કરી નાખી.
Trending Photos
કોલકાતા/અમરાવતી: લોકસભા ચૂંટણી અગાઉ ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે રાતે મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કેટલાક ઓફિસરોની બદલી કરી નાખી. ચંદ્રબાબુ નાયડુ આ વાતથી ખુબ ભડકી ગયા છે અને તેમણે પોતાની ધરપકડ કરવાનો પડકાર પણ ફેંક્યો. ચૂંટણી પંચે કોલકાતાના પોલીસ કમિશનર અનુજ શર્મા અને બિધાનનગરના પોલીસ કમિશનર જ્ઞાનવંત સિંહની બદલી કરી નાખી.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને ઈસી દ્વારા લખાયેલા એક પત્રમાં કહેવાયું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એડીજી ડો.રાજેશકુમારને કોલકાતાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યાં છે. જ્યારે એડીજી અને આઈજીપી (સંચાલન) નટરાજન રમેશ બાબુને બિધાનનગરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યાં છે. ચૂંટણી પંચે બિધાનનગરના ડીસી (એરપોર્ટ સેક્શન) અવન્નુ રવિન્દ્રનાથને બીરભૂમના નવા પોલીસ કમિશનર બનાવ્યાં અને થર્ડ બટાલિયનના ડીસી કેએપી શ્રીહરિ પાંડેને ડાયમંડ હાર્બરના પોલીસ કમિશનર નિયુક્ત કર્યા છે.
ચૂંટણી પંચના આદેશને તત્કાળ પ્રભાવથી લાગુ કરવાના આદેશ છે અને બદલી કરાયેલા અધિકારીઓ અંગે અનુપાલન રિપોર્ટ આગામી 24 કલાકમાં મોકલવાનો છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ અનિલ પુનેઠાને હટાવાયા
ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ અનિલચંદ્ર પુનેઠાને શુક્રવારે તેમના પદેથી હટાવ્યાં અને તેમની જગ્યાએ 1983ના વરિષ્ઠમ આઈએએસ અધિકારી એલ વી સુબ્રમણ્યમને નિયુક્ત કર્યાં. ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશ સરકારને એક સંદેશો મોકલીને આ અંગે જાણકારી આપી. આ અગાઉ ચૂંટણી પંચે બે ટોચના બ્યુરોક્રેટ્સને ચૂંટણી દરમિયાન તેમના પદેથી હટાવ્યાં હતાં.
ચૂંટણી પંચે પુનેઠાને ચૂંટણીથી અસંગત હોય તેવા પદે નિયુક્ત કરવાના પણ આદેશ આપ્યાં. તેઓ મે મહિનાના અંતમાં સેવાનિવૃત થવાના છે. પુનેઠાએ 27 માર્ચના રોજ આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટમાં એક રિટ અરજી દાખલ કરીને ઈન્ટેલિજન્સ ડીજી એ બી વેંકટેશ્વર રાવની બદલીના ચૂંટણી પંચના આદેશને પડકાર્યો હતો. જો કે હાઈકોર્ટે ગત શુક્રવારે તેમની અરજી ફગાવી હતી.
જુઓ LIVE TV
મુખ્ય સચિવને હટાવવા પર મુખ્યમંત્રી નાયડુએ કેન્દ્રને તેમની ધરપકડ કરવાનો પડકાર ફેંક્યો અને માગણી કરી કે ચૂંટણી પંચ મુખ્ય સચિવને હટાવવાનું કારણ જણાવે. નાયડુએ વિશાખાપટ્ટનમમાં એક રોડ શો દરમિયાન કહ્યું કે પહેલા તેમણે (ચૂંટણી પંચ) એક જિલ્લાધિકારીની બદલી કરી. ત્યારબાદ ઈન્ટેલિજન્સના ડીજી અને બે જિલ્લા એસપી અને હવે મુખ્ય સચિવની બદલી..કારણ શું? તેઓ કારણ જણાવતા નથી. તેમણે કહ્યું કે તેઓ મારી કાલે કે પરમ દિવસે ધરપકડ કરી શકે છે. હું જેલમાં જવા માટે તૈયાર છું. હું ત્યાંથી પણ લડીશ. આ દરમિયાન ભાજપના સાંસદ જી વી એલ નરસિમ્હા રાવે કહ્યું કે મુખ્ય સચિવ ચંદ્રબાબુ નાયડુના બલિના બકરા બની ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે