PMનો પરેશ ધાનાણી પર સીધો પ્રહાર, અહીં તમારા ભાઈએ સરદારનું અપમાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું
ગુજરાતમાં આજે બીજા દિવસે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરવાના મૂડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે અમદાવાદથી નીકળીને અમરેલી સભા સ્થળે પહોંચ્યા છે. તેમણે ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.
Trending Photos
અમરેલી :ગુજરાતમાં આજે બીજા દિવસે પણ પીએમ મોદીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો. સૌરાષ્ટ્રની અતિ મહત્વની ગણાતી એવી અમરેલી બેઠક પર પ્રચાર દરમિયાન તેમણે કોંગ્રેસ પર એર સ્ટ્રાઈક, ગરીબી, આતંકી હુમલાઓ, સરદાર પટેલ સ્ટેચ્યુ જેવા મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા હતા. તો સાથે જ સરદાર પટેલના સ્ટેચ્યુને કોંગ્રેસના નેતાઓ દ્વારા ભંગાર કહેવા અંગે પણ જવાબ આપ્યો હતો.
પરેશ ધાનાણી પર કર્યો પ્રહાર
અમરેલીની સભામાં પરેશ ધાનાણી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, અહીંયા તમારા ભાઈએ સરદાર સાહેબનું અપમાન કરવામાં કહી બાકી નથી રાખ્યું. સરદાર સાહેબના સ્ટેચ્યુને ભંગાર કહ્યા. તેઓને શરમ નથી આવતુ આવુ બોલતા? આવા નેતાઓ તમારી સામે આવે તો શરમ આવવી જોઈએ.
હાર્દિક પટેલનું હેલિકોપ્ટર અને ટ્વિટર એકાઉન્ટને લઈને જાણો બે મોટા સમાચાર
તેમણે કહ્યું કે, જેવી અમારી સરકાર બનશે તો અમે નક્કી કર્યું છે કે, 5 એકરનો નિયમ હટાવી દઈશું, અને બધા ખેડૂતોને લાભ આપવામાં આવશે. ગુજરાતે મને પાણીદાર બનાવ્યો છે. તેથી નવી સરકારમાં પાણી માટે જળશક્તિ મંત્રાલય બનાવવાનુ નક્કી કર્યું છે.
કોંગ્રેસનું મેનિફેસ્ટો વાંચીને દુખ થાય
જેટલુ દુખ સરદાર સાહેબને તે સમયે નહિ થયું હોય, તેટલું આ વખતનુ મેનિફેસ્ટો વાંચીને થશે. સેનાને કાશ્મીરમાંથી હટાવી લેવાય તો અમરનાથના શ્રદ્ધાળુઓનું શુ થાય. શ્રીનગરના ટુરિસ્ટને આતંકવાદ ટકવા દે? વૈષ્ણોદેવના શ્રદ્ધાળુઓને ટકવા દે?માર્ત્ર વોટબેંકના રાજકારણ માટે આ પાપ કરવાનું છે. જો સેનાનું રક્ષા કવચ કાઢી નાખો તો કોઈ સેના લડવા તૈયાર થાય. બાબા સાહેબ જેવા મહાપુરુષ સંવિધાનમાં જે કાયદો બનાવી ગયા, તેમાનો એક રાજદ્રોહનો કાયદો કાઢી નાખવાનુ કોંગ્રેસે કહ્યું છે. ભારતના ટુકડા ટુકડા થશે. સરદારે જે દેશને એક કર્યો, તેના કોઈ કાળે ટુકડા થવા દેવાય? કોંગ્રેસની પાર્ટીના ભરોસે આ દેશમાં કંઈ નથી. 2014માં કોંગ્રેસને ઓછામાં ઓછી બેઠક મળી. 2019માં પણ તે ઓછામાં ઓછી બેઠક પર લડી રહી છે. ગુજરાતના ચાવાળાની આ તાકાત છે, તેઓ પાર્લામેન્ટમાં એક ખૂણામાં આવી ગયા. જે આંગળીના વેઢે ગણાય તેટલી સીટ પર લડતા હોય તે સરકાર બનાવવાની વાત કરે, તે કોઈના ગળે ઉતરે ખરી.
મુંબઈ બ્લાસ્ટ બાદ કોંગ્રેસે શું કર્યું??
કોંગ્રેસને તણાવ જીવતો રાખીને પોતાની દુકાન ચલાવવામાં મજા આવે છે. સમાજમાં વિખવાદ થાય અને ભાઈ-ભાઈ સામે ઉભો રહે અને વચ્ચે પોતે મલાઈ ખાય તે કોંગ્રેસની નીતિ રહી છે. કાશ્મીરની મુસીબત મોદીને કારણે પેદા થઈ નથી. અમને આ તકલીફ વારસામાં મળી છે. હાલ પંચાયતના ઈલેક્શનમાં જમ્મુમાં હિંસાનો બનાવ ન થયો, પણ બંગાળના પંચાયતના મતદાનમાં ભડકો થયો. મુંબઈ બ્લાસ્ટ બાદ કોંગ્રેસે શું કર્યું?? તે સમયે લોકોમાં ગુસ્સો હતો?? શું કોંગ્રેસ સુધરી છે?? પણ, ઉરી હુમલા બાદ મોદીએ પાકિસ્તાનનો ખેલ પાડી દીધો. તેમના ઘરમાં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી. પુલવામા હુમલામાં કોંગ્રેસ માનતુ, બગાસુ ખાતા પતાસુ આવ્યું. હવે મોદી પતી ગયા. પણ, હવે દુનિયામાં પાકિસ્તાન રડી રહ્યું છે. મોદી અમારો ફોન ઉપાડે તેવી જાહેરમાં આજીજી કરવી પડે તેવા દિવસો અમે લાવી દીધા.
પંડિત નહેરુને નીચા બતાવવા માટે મેં સરદારનુ સ્ટેચ્યુ નથી બતાવ્યું
નવી પેઢીનો ગુરુ એટલે ગૂગલ. એને દુનિયાના ઊંચામાં ઊંચા સ્ટેચ્યુ અને ભારતમાં ક્યાં આવે તે પૂછશો, તો ચમકે માત્ર ગુજરાત. ત્યારે આનંદ થાય. સરદારનુ સ્ટેચ્યુ મારા માટે શ્રદ્ધાનો વિષય છે. પંડિત નહેરુને નીચા બતાવવા માટે મેં સરદારનુ સ્ટેચ્યુ નથી બતાવ્યું, સરદાર એટલા ઊંચા હતા, કે બીજા કોઈને નીચા બતાવવાની જરૂર જ નથી. અંગ્રેજો દેશને વેરવિખેર કરીને જવા માંગાત હતા, ત્યારે આ લોહપુરુષે જોતજોતામાં બાંધીને એક તારે પરોવી દીધો. તેથી જ હિન્દુસ્તાનમાં ભારત માતા કી જય આપણે બોલતા થયા. રોજ સરેરાશ 10 થી 12 હજાર લોકો તેની મુલાકાત લે છે. મૃત્યુના આટલા વર્ષો બાદ એક મહાપુરુષના દર્શન કરવા માટે લાઈન લાગતી હોય, તેનાથી વધુ ગૌરવની વાત કઈ હોય.
કોંગ્રેસના રાજકારણે સરદાર સરોવર ડેમને રોકવાનું કામ કર્યું
પાણી વગર સૌરાષ્ટ્ર ટળવળતુ હતું. અમે કોંગ્રેસને આજીજી કરતા હતા કે, સરદાર સરોવર યોજના પૂરી કરો. 40 વર્ષ પહેલા જો આ યોજના પૂરી કરી હોત તો ગુજરાતી પરિસ્થિતિ આજે કંઈ અલગ હોત. કોંગ્રેસના રાજકારણે સરદાર સરોવર ડેમને રોકવાનું કામ કર્યું છે. જેણે ગુજરાતને તરસ્યુ રાખ્યું, તેને ક્યારેય માફ ન કરાય. બે જ અઠવાડિયામાં દિલ્હીથી મેં ડેમની ઊંચાઈ વધારી અને આજે પાણી સૌરાષ્ટ્રમાં પહોંચ્યું. શું આ માટે અમરેલીથી કોઈ ડેલિગેશન આવ્યું હતું, કોઈને ઉપવાસ પર ઉતરવુ પડ્યું હતું, કે અમરેલીમાં કોઈને બસો બાળવી પડી હતી. આ કામ થયું એટલા માટે કે, આ તમારો પોતાનો જણ હતો, જેને તમારી પીડાની ખબર હતી.
ગુજરાતે મને ઘડ્યો હતો
આ બધુ એટલા માટે કરી શક્યો. કારણ કે, ગુજરાતે મને શીખવાડ્યું, ગુજરાતે મને ઘડ્યો હતો, લાલનપાલન કર્યું હતું. ગુજરાતીઓએ મારા કામને મારા જીવનને નિકટથી જોયું, અને હિન્દુસ્તાનને વિચારવા માટે મજબૂર કર્યું, જે માણસે લાંબો સમય ગુજરાતને સંભાળ્યો, તે દેશ સંભાળશે તો ગુજરાતની જેમ દેશની પણ જાહોજલાલી કરી બતાવશે. દુનિયાની મોટી મોટી તાકાતો સામે સામી છાતીએ ભીડાયો છું. હિન્દુસ્તાનના ગત 55 વર્ષમાં એક પરિવારશાહી જે જોઈ છે, તેનાથી ભારતનો સામાન્ય માનવીએ વિચાર્યુ ન હતુ કે, દેશમાં કોઈ મર્દ બચ્ચો શાસન કરી શકે. દુનિયાને મેં બતાવી દીધું છે કે ગુજરાતની ધરતી સરદાર પટેલની ધરતી છે. મને મળેલી સફતાનું કારણ દેશવાસીઓનો મારામાં વિશ્વાસ અને સમર્થન છે. મને વિશ્વાસ છે કે, દેશ મારી પડખે ઉભો રહેશે.
લાંબો સમય સેવા કરવાથી તમારી સાથે ઘરોબો થયો
અમરેલી વિશે તેમણે કહ્યું કે, જે ગલિયારામાં ક્યારેય જવાનો વિચાર કર્યો ન હતો, સપનેય ખ્યાલ ન હતો. એ રાજકારણના આંટાપાટામાં પગ મૂકવાની શરૂઆત 2001માં થઈ. ગુજરાતમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે સેવા કરવામાં તમારો સહયોગ રહ્યો છે. આટલી લાંબી સેવા કરવા બદલ તમારી સાથે ઘરોબો થયો. ગત બે દાયકામાં અમરેલીની સામાજિક કે રાજકીય કે સાંસ્કૃતિક કોઈ ઘટના એવી ન હોય, જેમાં અમરેલીએ મને સાક્ષી ન બનાવ્યો હોય. આ પ્રેમ ઓછો નથી. આ કારણે તમારો મારી પર હક પણ એટલો જ છે. પાંચ વર્ષ પહેલા ગુજરાત છોડવાનું નક્કી થયું, ત્યારે ભારે હૈયે તમે મને વિદાય આપી.
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી આજે અમરેલીની ફોરવર્ડ હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે, બુધવારે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ત્રણ સભાઓને સંબોધી હતી. પીએમ મોદી અમરેલીમાં સભા સંબોધ્યા બાદ સીધા જ કર્ણાટક જશે, જ્યાં ચૂંટણી સભાને સંબોધશે. હવે પીએમ મોદી 22 અને 23 એપ્રિલે ફરીથી ગુજરાત આવશે. પ્રધાનમંત્રી 23મી એપ્રિલે સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે