ભૂજમાં રાહુલ ગાંધીઃ નોટબંધી અને જીએસટીએ દેશમાં બેરોજગારી વધારી

રાહુલ ગાંધી ભુજમાં વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરવા પહોંચ્યા છે, લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર અર્થે ગુજરાત આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલા જૂનાગઢમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું, રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમના ખોટા નિર્ણયોના કારણે દેશમાં બેરોજગારી વધી છે 

ભૂજમાં રાહુલ ગાંધીઃ નોટબંધી અને જીએસટીએ દેશમાં બેરોજગારી વધારી

ભૂજઃ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણીના પ્રવાસે આવેલા છે. જૂનાગઢના વંથલીમાં સભા પહોંચ્યા પછી રાહુલ ગાંધી ભૂજમાં પહોંચ્યા હતા અને અહીં તેમણે કોંગ્રેસ પાર્ટીના 'વિજય વિશ્વાસ' સંમેલનમાં સંબોધન કર્યું હતું. 

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નોટબંધી અને જીએસટીના કારણે દેશમાં બેરોજગારી વધી છે. જીએસટીમાં એક નહીં પરંતુ પાંચ જુદા-જુદા પ્રકારનો ટેક્સ વસુલવામાં આવે છે. તેના કારણે લોકોના ખિસ્સામાંથી વધુ પૈસા જાય છે. 

ખેડૂતો માટે કોંગ્રેસ દ્વારા જમીન સંપાદન અંગેનો વિશેષ કાયદો ઘડવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ સંસદમાં ચૂટાઈને આવ્યાના સૌથી પહેલા આ કાયદો રદ્દ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સંસદમાં તો કોંગ્રેસના વિરોધના કારણે કરી શક્યા નહીં. આથી તેમણે જે રાજ્યોમાં તેમની સરકાર હતી, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ સહિતના મુખ્યમંત્રીઓને કહ્યું કે, તમારા રાજ્યોમાં જમીન સંપાદન કાયદો નાબૂદ કરો. 

ખેડૂતો માટે અલગ બજેટ
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં ખેડૂતો સાથે સૌથી વધુ અન્યાય કરવામાં આવે છે. આ કારણે જ કોંગ્રેસ પાર્ટીએ હવે જે રીતે દેશમાં સામાન્ય બજેટની સાથે અલગથી રેલવે બજેટ રજૂ કરાતું હતું તે રીતે જો દિલ્લીમાં અમારી સરકાર બનશે તો સામાન્ય બજેટની સાથે અમે અલગથી 'કિસાન બજેટ' રજૂ કરીશું. જેમાં ખેડૂતોને વર્ષના પ્રારંભમાં જ જણાવી દેવાશે કે તમને આ વર્ષે કેટલી કિંમત ચૂકવવામાં આવશે, કેટલો વીમો ચૂકવવામાં આવશે અને તમારે કેવા પ્રકારનો પાક લેવાનો છે. 

ઉદ્યોગ માટે મંજૂરીમાંથી મુક્તિ
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, "ગુજરાતના લોકો ઉદ્યોગ સાહસિક છે અને દેશ વિદેશમાં ઉદ્યોગો ખોલીને બેઠા છે. બ્રિટન, આફ્રિકા, અમેરિકા સહિત અનેક દેશોમાં તેઓ વેપાર-ધંધામાં આગળ છે અને સંપૂર્ણ ઈમાનદારી સાથે તેઓ વ્યવસાય કરે છે. ગુજરાત લઘુ ઉદ્યોગોમાં દેશમાં મોખરે છે. પરંતુ જો તમારે ગુજરાતમાં કોઈ ઉદ્યોગ શરૂ કરવો હોય તો તમારે અનેક વિભાગોની મંજૂરી મેળવવી પડે છે. તેના માટે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર આચરવો પડે છે. જો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવશે તો આ મંજૂરીની પણોજણમાંથી છૂટકારો આપી દેશે. તમારે ઉદ્યોગ શરૂ કરવો હોય તો કોઈ પણ મંજૂરી વગર શરૂ કરી શકશો. ઉદ્યોગ શરૂ કરો અને ત્રણ વર્ષ સુધી કમાણી કરો અને સાથે અનેક લોકોને રોજગાર પણ આપો. ત્રણ વર્ષ બાદ તમારા ઉદ્યોગની મંજુરી મેળવો."

રોજગારની વાત 
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જીએસટી અને નોટબંધીના કારણે દેશમાં અનેક યુવાનો બેરોજગાર થઈ ગયા છે. નોટબંધી અને જીએસટીએ દેશના ઉદ્યોગ ધંધાની કમર તોડી નાખી હતી, જેના કારણે લોકોને બેરોજગાર થવું પડ્યું. રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી, પરંતુ લોકોને બેરોજગાર કરી નાખ્યા. તેની સામે હું તમને 22 લાખ નોકરી આપવાનું વચન આપું છું. આ કોઈ ખોટું વચન નથી. કેન્દ્ર સરકારમાં 22 લાખ જગ્યાઓ ખાલી છે. જો દિલ્હીમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો એક વર્ષના અંદર આ 22 લાખ જગ્યાઓ ભરવામાં આવશે અને આ રીતે અમે રોજગાર પૂરો પાડીશું. 

માછીમારોને મળશે ન્યાય
રાહુલ ગાંધીએ માછીમારો અંગે મોટી વાત કરતા જણાવ્યું કે, દેશમાં માછીમારો માટે અત્યારે કોઈ અલગ મંત્રાલય નથી. જો અમે સત્તામાં આવીશું તો માછીમારો માટે અમે એક અલગ મંત્રાલયની રચના કરીશું. જેથી માછીમારોની તમામ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ આવી શકે અને દેશના અર્થતંત્રમાં તેઓ પણ સમાન ભાગીદાર બની શકે. 

 

ભૂજમાં રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મને તમે લોકોએ જ કહ્યું છે કે, અદાણીને અમારી જમીન આપી દેવામાં આવી છે અને પુરતું વળતર મળ્યું નથી. કોંગ્રેસની યુપીએ સરકારે ખેડૂતો માટે જમીન સંપાદન અંગેનો એક વિશેષ કાયદો બનાવ્યો હતો. જેમાં ખેડૂતની મંજૂરી વગર જમીન ખરીદી ન શકાય એવી જોગવાઈ કરાઈ હતી. સાથે જ જમીન સંપાદન કરવામાં આવે તો બજાર ભાવ કરતાં ચાર ગણવું વળતર ચૂકવવાની પણ જોગવાઈ કરાઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર અમારા કાયદાને ઘોળીને પી ગઈ છે.'

નરેન્દ્ર મોદીના ખોટા વચનો 
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સૌની સાથે એક સમાન 'ન્યાય' કરવા માગે છે અને એટલા માટે જ કોંગ્રેસ 'ન્યાય' યોજના લઈને આવી છે. નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણીમાં લોકોને 15 લાખ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પાળી બતાવ્યું નથી. જો દિલ્હીમાં અમારી કોંગ્રેસની સરકાર બનશે તો અમે દરેક ગરીબના ખાતામાં દર વર્ષે 72,000 જમા કરાવીશું. કોંગ્રેસ ખોટા વચનો આપતી નથી, પાળીને બતાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news