વાયનાડથી ચૂંટણીના મેદાનમાં ઉતરીને રાહુલે કરી મોટી ભૂલ?, કોંગ્રેસની રણનીતિ પર ઉઠ્યા સવાલ 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લોકસભા બેઠક વાયનાડ માટે ઉમેદવારી પત્રક ભર્યું. જો કે કોંગ્રેસની આ  રણનીતિને રાજકીય વિશેષજ્ઞો 'ચૂંટણી જુગાર' ગણાવી રહ્યાં છે જેમાં ગંભીર જોખમો પણ છૂપાયેલા છે. 

વાયનાડથી ચૂંટણીના મેદાનમાં ઉતરીને રાહુલે કરી મોટી ભૂલ?, કોંગ્રેસની રણનીતિ પર ઉઠ્યા સવાલ 

વાયનાડ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લોકસભા બેઠક વાયનાડ માટે ઉમેદવારી પત્રક ભર્યું. આ અલ્પસંખ્યક બહુમતીવાળી બેઠક માટે કોંગ્રેસને આશા છે કે કેરળ, કર્ણાટક અને તામિલનાડુના ટ્રાઈ જંકશન પર આવેલી આ બેઠકથી રાહુલ ગાંધીના ચૂંટણી લડવાથી ત્રણેય રાજ્યોમાં તેનો ફાયદો મળશે. આ અગાઉ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કેરળની 20 બેઠકોમાંથી 16 બેઠકો પર કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી હતી. જો કે કોંગ્રેસની આ  રણનીતિને રાજકીય વિશેષજ્ઞો 'ચૂંટણી જુગાર' ગણાવી રહ્યાં છે જેમાં ગંભીર જોખમો પણ છૂપાયેલા છે. 

કોંગ્રેસ પાર્ટીની રણનીતિ
કોંગ્રેસના નેતાઓના જણાવ્યાં મુજબ પાર્ટીની કેરળ શાખાના સૂચન બાદ રાહુલ ગાંધીએ વાયનાડથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. રાહુલ ગાંધીએ ભાજપ વિરુદ્ધ વિપક્ષી એક્તાને સંકટમાં નાખીને પણ આ બેઠકથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. હકીકતમાં તેની પાછળ એક મોટું કારણ એ પણ છે કે રાહુલ ગાંધીને દક્ષિણ ભારતમાં ખુબ સમર્થન મળે છે. આ ઉપરાંત વાયનાડમાં કોંગ્રેસ પાર્ટી બે વાર જીત મેળવી ચૂકી છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ખુબ ઓછા અંતરથી જીત મળી હતી પરંતુ હવે પાર્ટીને આશા છે કે રાહુલ મેદાનમાં છે તો સરળતાથી જીત મળી જશે. 

કોંગ્રેસે એવો પણ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના કારણે દક્ષિણના લોકો સાથે જોડાણ થઈ શકશે. વિશ્લેષકોના મત મુજબ રાહુલ વાયનાડ ગયા તેની પાછળ એક કારણ એ પણ છે કે પાર્ટીને એકજૂથ રાખી શકાય. કોંગ્રેસ જ્યારે સત્તામાં હોય છે ત્યારે તે સરળતાથી થાય છે પરંતુ જ્યારે તે સત્તામાંથી બહાર હોય છે ત્યારે તેને પોતાને એકજૂથ રાખવું ખુબ કપરું બની રહે છે. પોતાના આ માસ્ટર સ્ટ્રોક દ્વારા કોંગ્રેસ પાર્ટી વર્ષ 2014ની સજ્જડ હાર બાદ ફરથી પાર્ટીની સ્થિતિને મજબુત કરવા માંગે છે. કોંગ્રેસનું માનવું છે કે ગઠબંધન જરૂરી છે પરંતુ વધુમાં વધુ સીટો મેળવવાના તેના લક્ષ્યાંકના ભોગે નહીં. 

કોંગ્રેસની રણનીતિ પર ઉઠ્યા સવાલ
કોંગ્રેસ પાર્ટીએ વાયનાડ બેઠકથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે અને તેમનો મુખ્ય મુકાબલો ભાજપ સાથે નહીં પરંતુ ડાબેરીઓ સાથે છે. ભાજપ વિરુદ્ધ લડાઈમાં ડાબેરીઓ કોંગ્રેસને સાથ આપી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટી કેરળની બધી 20 બેઠકો પર ડાબેરીઓ સામે લડી રહી છે પરંતુ રાહુલના અહીંના ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવતા સંકેત મળી ગયા કે કોંગ્રેસ અધ્યક્ષ પોતે પોતાના મુખ્ય પ્રતિસ્પર્ધિ ડાબેરીઓ સામે લડત લડી રહ્યાં છે. 

જુઓ LIVE TV

વાયનાડથી રાહુલને મેદાનમાં ઉતારવા મોટી ભૂલ!
વિશ્લેષકોનું માનવું છે કે વાયનાડથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારીને કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી અગાઉ મોટી રાજકીય ભૂલ કરી નાખી છે. તેમનું માનવું છે કે જો કોંગ્રેસ પાર્ટી પોતાને દક્ષિણ ભારતમાં મજબુત કરવા માંગતી હતી તો કેરળ તેમના માટે યોગ્ય રાજ્ય નથી કારણ કે ત્યાં તો તે પહેલેથી જ મજબુત છે. વાયનાડથી ચૂંટણી લડીને અન્ય રાજ્યોમાં પ્રભાવ ઊભો કરવાના  તેમના તર્કમાં પણ દમ નથી. કોંગ્રેસ રાહુલ ગાંધીને કર્ણાટકથી મેદાનમાં ઉતારીને પણ પોતાનો હેતુ સાર્થક કરી શકતી હતી. 

1978માં ઈન્દિરા ગાંધીએ કર્ણાટકના ચિકમંગલૂર પેટાચૂંટણીમાં જીત મેળવીને પોતાની વાપસીના સંકેત આપ્યા હતાં. જ્યારે ઈન્દિરા ગાંધી 1980માં કોંગ્રેસને ફરી સત્તામાં લાવવામાં સફળ થઈ ત્યારે તેમણે આંધ્ર પ્રદેશમાં મેડક અને ઉત્તર પ્રદેશમાં રાયબરેલી બેઠકો જીતી હતી. 1999ની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ કર્ણાટકની બેલ્લારીમાં ભાજપના સુષમા સ્વરાજને હરાવવાની સાથે સાથે અમેઠી બેઠક પણ જીતી હતી. કેરળથી ચૂંટણી લડવાનો વિકલ્પ કોઈએ પસંદ કર્યો ન હતો. 

અમેઠી માટે પણ જોખમ
જાણકારોનું માનવું છે કે રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને લઈને ભાજપ આક્રમકતાથી અમેઠીમાં મુદ્દો બનાવી શકે છે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ઉમેદવાર સ્મૃતિ ઈરાની આ વાત અમેઠીની દરેક મીટિંગમાં કરે છે કે રાહુલ ગાંધીએ અમેઠીમાં કોઈ વિકાસ કર્યો નથી. તેમને એવો ડર છે, અને હારવાના ડરના કારણે તેઓ વાયનાડ ચૂંટણી લડવા ગયા છે. સ્મૃતિએ ગુરુવારે આપેલા એક નિવેદનમાં કહ્યું કે વાયનાડવાળા જો તમારે રાહુલનો વિકાસ જોવો હોય તો એકવાર અમેઠી આવીને જુઓ. 

વાયનાડથી રાહુલ ગાંધી બેવડો સંદેશ આપી રહ્યાં છે
વાયનાડથી ચૂંટણી લડીને રાહુલ ગાંધી બે સંદેશ આપી રહ્યાં છે... પહેલો એ કે શક્તિશાળી કેન્દ્ર વિરુદ્ધ રાજ્યોના અધિકારોમાં ઘૂસણખોરી વિરુદ્ધ તેઓ દક્ષિણ ભારતીય રાજ્યોના સમર્થનમાં છે. બીજો- દક્ષિણપંથી ભાજપ વિરુદ્ધ સામાન્ય ચૂંટણીમાં કરો યા મરોના જંગ બાદ પણ ડાબેરીઓનો વિરોધ કરી રહ્યાં છે. તેનાથી રાહુલ ગાંધી ખુબ જ જટિલ સંદેશો આપવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ લોકો માટે કોંગ્રેસ અને ભાજપમાં ભેદભાવ કરવાનું ખુબ કપરું થઈ પડશે. 

રાહુલના આ પગલાએ ભાજપ વિરુદ્ધ તેમના આક્રમક પ્રચાર અભિયાનને જ નબળો પાડી દીધો છે. તેનાથી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ સાથે મળીને સાંપ્રયાયિકતાના મુદ્દે મોરચા ખોલીને બેઠેલા વિપક્ષની એક્તામાં તિરાડ તો પડી જ ગઈ છે. આ અગાઉ યુપીએ સરકારમાં ડાબેરી પક્ષો પણ સામેલ હતાં. જેમણે કોંગ્રેસને કોમન મિનિમમ પ્રોગ્રામમાં મદદ કરી હતી. કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં ડાબેરીઓને સત્તા હાંસલ છે અને તેમને ડર છે કે સત્તા વિરોધી લહેર તેમના વિરુદ્ધ જઈ શકે છે. રાહુલના આ રાજકીય જુગારથી ડાબેરીઓની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news