અમિત શાહે ભાજપના પ્રદેશ નેતૃત્વનો રીતસરનો ઊધડો લીધો, કારણ છે આ બેઠકો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે અમિત શાહે કેટલીક બેઠકોમાં ઉમેદવારોના નામોને લઈને ગૂંચવાયેલા કોયડા અંગે પ્રદેશ નેતૃત્વનો ઊધડો લીધો હતો. 

અમિત શાહે ભાજપના પ્રદેશ નેતૃત્વનો રીતસરનો ઊધડો લીધો, કારણ છે આ બેઠકો

બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે અમિત શાહે કેટલીક બેઠકોમાં ઉમેદવારોના નામોને લઈને ગૂંચવાયેલા કોયડા અંગે પ્રદેશ નેતૃત્વનો ઊધડો લીધો હતો. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રદેશ નેતૃત્વથી નારાજ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં ત્રણ બેઠક પર હજી પણ ઉમેદવારોના નામ અંગે સહમતિ બની નથી. અમદાવાદ પૂર્વ, સુરત, મહેસાણાની લોકસભા બેઠકો તથા ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠક માટે ઉમેદવારો હજી નક્કી કરાયા નથી. ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ હજુ પણ સસ્પેંસ યથાવત છે. અમિત શાહે 'ઓપરેશન આશા' સાથે સંકળાયેલા નેતાઓનો રીતસરનો ઊધડો લીધો છે. 

રાષ્ટ્રીય અધ્યક્ષની ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે પ્રદેશ નેતૃત્વને આ મામલે ખંખેરી નાખ્યા હતા. તો બીજી તરફ, કેન્દ્રીય નેતૃત્વને પૂછ્યા વગર અપાયેલા કમિટમેન્ટથી હાઇકમાન્ડ નારાજ છે. ઉંઝાના કારણે જ મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવારને લઈ જાહેરાત અટકી પડી છે. અમિત શાહે નેતાઓને પૂછ્યું હતું કે, વિરોધ કેમ ઊભો થયો છે? તમે તેને અંકુશમાં કેમ નથી લઈ શકતા. શુક્રવારે રાત્રે અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નિતિન પટેલ, જીતુ વાઘાણી તેમજ પ્રદેશ પ્રભારી ઓમ માથુર સાથે બેઠક કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, અમિત શાહે 30 માર્ચના રોજ અમદાવાદમાં 4 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો કરીને ગાંધીનગરમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. રોડ શોમાં અમિત શાહને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. ગાંધીનગરની સીટ પર અમિત શાહને પ્રોત્સાહન આપવા દેશના દિગ્ગજ નેતા પહોંચ્યા હતા. જેમાં શિવસેના સુપ્રિમો ઉદ્વવ ઠાકર, ગૃહમંત્રી રાજનાથ સિંહ, ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલી, રામવિલાસ પાસવાન, પંજાબથી અકાલી નેતા પ્રકાશસિંહ બાદલ જેવા દિગ્ગજોએ રેલીની શાન વધારી હતી અને સાથે જ ભાજપના શક્તિ પ્રદર્શનનો પરચો આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝ માટે જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news