લોકસભા-2019: ભાજપની 4 ઉમેદવારની યાદી, ભોપાલમાં દિગ્વિજય Vs સાધ્વી પ્રજ્ઞા
બપોરે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પાર્ટી દ્વારા ભોપાલની ટિકિટ આપવામાં આવી છે, ભાજપ દ્વારા જાહેર કરાયેલી 4 ઉમેદવારની યાદીમાં ભોપાલ ઉપરાંત વિદિશા, સાગર અને ગુનાના ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે
Trending Photos
નવી દિલ્હીઃ ભાજપે લોકસભા ચૂંટણી 2019 માટે બુધવારે 4 નવા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલની ટિકિટ આપવામાં આવી છે. સાધ્વી આજે બપોરે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ ઉપરાંત ભાજપે મધ્યપ્રદેશની વિદિશા, સાગર અને ગુના સીટના ઉમેદવારના નામ પણ આ યાદીમાં જાહેર કર્યા છે.
ગુના બેઠક પર ડો. કે.પી. યાદવ, સાગર સીટ પર રાજબહાદ્દુર સિંહ અને વિદિશા બેઠક પર રમાકાંત ભાર્ગવને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસના દિગ્વિજય સિંઘને ટક્કર આપશે સાધ્વી પ્રજ્ઞા
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંઘ સામે ભોપાલની બેઠક પરથી લડવા માટે ભાજપે સાધ્વિ પ્રજ્ઞા ઠાકુરનું નામ પસંદ કર્યું છે. આથી જ આજે સવારે પ્રજ્ઞાએ મધ્યપ્રદેશ ભાજપ કાર્યલયમાં પાર્ટીના નેતાઓની મુલાકાત લીધી હતી અને પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું. સાધ્વીએ જણાવ્યું હતું કે, "હું દિગ્વિજય સિંહ સામે ભોપાલ સીટ પર ચૂંટણી લડવા તૈયાર છું અને હું આ ચૂંટણી જીતીશ."
સાધ્વીનો જેલવાસ
સાધ્વિ પ્રજ્ઞા સિંહ ઠાકુરનું નામ વર્ષ 2008માં થયેલા માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં ધરપકડ થયા બાદ પ્રથમ વખત ચર્ચામાં આવ્યું હતું. આ કેસમાં સાધ્વીને લાંબો સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
દિગ્વિજય 16 વર્ષ પછી ચૂંટણી મેદાનમાં
એક સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા દિગ્વિજય સિંહ 16 વર્ષ પછી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમણે છેલ્લે 2003ની ચૂંટણી લડી હતી. જોકે, તેઓ પોતાની પારંપરિક રાજગઢ બેઠક પરથી ચૂંટણી લડતા રહ્યા છે. આ વખતે ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડવાના કારણે આ ચૂંટણી તેમના માટે પ્રતિષ્ઠાનો સવાલ બનેલી છે.
ઈન્દોર સીટ હજુ હોલ્ડ પર
ભાજપ દ્વારા હજુ સુધી ઈન્દોર સીટના ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી. આ બેઠક પર સુમિત્રા મહાજન 8 વખત સાંસદ રહી ચૂક્યા છે અને આ વખતે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. કોંગ્રેસે ઈન્દોરની ટિકિટ પંકજ સંઘવીને આપી છે, જે 1998માં અહીંથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે