કોરોનાની બીકે ગુજરાતના આ આયોજકોએ ગરબા યોજવાની પાડી દીધી સ્પષ્ટ ના 

કોરોનાની બીકે ગુજરાતના આ આયોજકોએ ગરબા યોજવાની પાડી દીધી સ્પષ્ટ ના 
  • કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનાનું રિસ્ક લેવા માંગતા નથી.
  • આયોજકોના મત મુજબ સૌપ્રથમ પબ્લિક સેફ્ટી છે. ગ્રાઉન્ડમાં 8 હજાર લોકો હોય છે, આટલી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થઈ શકે નહિ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની ઓળખ નવરાત્રિ (Navratri) ના ગરબા આયોજનને લઈને ગુજરાત સરકારે હજી પોતાનો નિર્ણય જાહેર નથી કર્યો. ત્યારે એ પહેલા જ ગુજરાતના મોટાભાગના આયોજકો ગરબા (garba)  ન યોજવાનો નિર્ણય લઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનાનું રિસ્ક લેવા માંગતા નથી. મોટા ગરબા આયોજનો, જેમાં 5થી 8 હજાર ખેલૈયાઓ હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) શક્ય નથી. માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો પણ મેડિકલ સાયન્સ મુજબ યોગ્ય નથી. આયોજકોને મત મુજબ સૌપ્રથમ પબ્લિક સેફ્ટી છે. ગ્રાઉન્ડમાં 8 હજાર લોકો હોય છે, આટલી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થઈ શકે નહિ. ત્યારે જોઈએ ગુજરાતમાં કયા કયા ગરબા આયોજન કરવાની ના પાડી ચૂક્યા છે. 

અમદાવાદ 
અમદાવાદના રાજપથ ક્લબમાં ગરબાનું આયોજન નહિ કરવામા આવે. કલબ સંચાલકોએ આ વિશે નિર્ણય લીધો છે. જ્યારે કર્ણાવતી કલબમાં ગરબાનું આયોજન કરવું કે નહિ તે મામલે સરકારની ગાઈડલાઈન જાહેર થશે ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે. 

વડોદરા 
આ વર્ષે વડોદરાના એક પણ મોટા ગરબા નહિ યોજાય. વડોદરાનાં તમામ મોટાં ગરબાનાં આયોજન રદ્દ કરાયા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોએ સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે. કોરોનાને ધ્યાનમાં રાખી આયોજકોનો નિર્ણય વડોદરાનાં વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેનાં ગરબા રદ્દ કરાયા છે. તો વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ પણ નહિ યોજાય. માં શક્તિ ગરબા મહોત્સવ પણ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. તો આ સાથે જ નાનાં બાળકોનાં ગરબા પણ નહિ યોજવા નિર્ણય કરાયો છે. યુનાટેડ વેના આયોજકે કહ્યું કે, સરકાર ભલે પરવાનગી આપે, પરંતુ કોરોના વાઈરસ કોઈના પરવાનગીની રાહ નહિ જુએ. ગરબાના આયોજન કરતા ખેલૈયાઓનું સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. 

રાજકોટ 
રાજકોટમાં કેટલાક ગરબા આયોજકોએ સ્વૈચ્છીક રીતે ગરબા આયોજન ન કરવા નિર્ણય કર્યો છે. સરગમ કલબ આયોજિત ગોપી રાસ, સહિયર રાસોત્સવ, જૈન સમાજ અયોજિત જૈન વિઝન કલબ રાસોત્સવ દ્વારા ગરબા કેન્સલ કરાયા છે. તો ખોડલધામ અને સરદાર કલબ દ્વારા ગરબા ન યોજવા જાહેરાત કરાઈ છે. ખોડલધામ દ્વારા રાજ્યમાં અલગ અલગ 25 જગ્યા પર અને રાજકોટમાં 4 જગ્યા પર ગરબાનું આયોજન થાય છે, જે કેન્સલ કરાયું છે. 

વલસાડ 
વલસાડના મુખ્ય ત્રણ ગરબા આયોજકો ગોકુલગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને અનાવિલ પરિવાર ક્લબના આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો છે. વલસાડ ગરબા આયોજકોનું કહેવું છે કે, સરકાર છૂટછાટ સાથે મંજૂરી આપે તો પણ આયોજન ન કરવાની જાહેરાત કરી છે. 

કચ્છ 
ભૂજમાં ડ્રીમ્સ ફાઉન્ડેશન ખેલૈયા, રોટરી વોલ સિટીએ ગરબા ન યોજવાનું નક્કી કર્યું છે. મોટા આયોજનો ભલે ન થાય અથવા થાય તો તેમાં રિસ્ક ન લઇએ ત્યારે ગુજરાતની પરંપરા પ્રમાણે શેરી-સોસાયટીના ગરબા આ વર્ષે થશે. જેમાં નિયમોનું પાલન અને ડિસ્ટન્સિંગ પણ શક્ય છે. ત્યારે સેફ્ટી સાથે આ ગરબાનો ભાગ બની પરંપરાગત ગરબાની મઝા લઇ શકીશું અને પરંપરાને પણ ફરી ઉજાગર કરી શકીશું એવો મત ગરબા આયોજકોએ વ્યક્ત કર્યો હતો.

કોરોનાકાળ યથાવત છે, ત્યારે ખેલૈયાઓની લાગણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા છૂટછાટ આપવાની જાહેરાત બાદ તમામ ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ હતો. પરંતુ હવે ખેલૈયાઓને નિરાશ થવાનો વારો આવ્યો છે. કારણ કે, કોરોના વાયરસના કહેરના કારણે આ વર્ષે તમામ ગરબા આયોજકોએ ગરબા નહિ યોજવા નિર્ણય લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news