ગુજરાતના આ ગામોમાં હજી સુધી એક પણ વોટ ન પડ્યો

ગુજરાતમાં કેટલાક સ્થળોએ મતદાનનો બહિષ્કાર પણ કરાયો છે. હાલ ગુજરાતમાં જામનગર તથા ડાંગમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પ્રશ્નોને લઈને રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કરીને એકપણ વોટ આપ્યો નથી.

ગુજરાતના આ ગામોમાં હજી સુધી એક પણ વોટ ન પડ્યો

અમદાવાદ :આજે મતદાતાઓનો દિવસ છે, તેમના મતનો અધિકાર વાપરવાનો દિવસ છે. લોકશાહીમાં દરેક મતદાતા અને તેનો મત કિંમતી હોય છે. તેથી સવારથી જ લોકોમાં મત આપવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. યુવા વર્ગ તથા નોકરિયાત નોકરી પર જતા પહેલા વોટ આપતા, તો વૃદ્ધો અને દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો  ઉપયોગ કરતા જોવા મળ્યા. આવામાં ગુજરાતમાં કેટલાક સ્થળોએ મતદાનનો બહિષ્કાર પણ કરાયો છે. હાલ ગુજરાતમાં જામનગર તથા ડાંગમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પ્રશ્નોને લઈને રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કરીને એકપણ વોટ આપ્યો નથી.

ત્રણ કલાકમાં ભણગોરમાં એક પણ મત નથી પડ્યો
જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામે લોકોએ મતદાનનો બહિષ્કાર કરાયો છે. ગામના પડતર પ્રશ્નોને લઈને ગામના લોકોએ બહિષ્કાર કર્યો છે. જેને પગલે મતદાન શરૂ થયાના ત્રણ કલાક બાદ પણ ભણગોર ગામમાં એક પણ મત નથી પડ્યો. 

ડાંગમાં ચૂંટણીનો બહિષ્કાર
ડાંગ દાવદહાડ તથા ધુબડીયા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ડાંગના દાવદહાડ ગામે વર્ષોથી પુલની માંગને લઈ ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ત્યારે સવારે ૧૦ વાગ્યા સુધી અહીં એકપણ મતદારે મતદાન કર્યું નથી. ચૂંટણી બહિષ્કારની ગ્રામજનો દ્વારા અગાઉથી જ લેખિત જાણ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. ત્યારે ચૂંટણી બહિષ્કાર થતા સરકારી તંત્ર અને રાજકીય પાર્ટીઓમાં દોડધામ મચી છે. ઉલ્લેખનીય છે કે, પૂલ ન હોવાના કારણે ગ્રામજનોને ચોમાસામાં નદી જાતે પાર કરીને જવુ પડે છે. તેમજ આ પરિસ્થિતિમાં ગત વર્ષે 2 લોકોને સર્પદંશ થયા હતા, અને બંનેના મોત નિપજ્યા હતા. 

ડાંગના ધુબડિયા ગામે વિરોધ 
ડાંગના ધુબડીયા ગામે પણ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ લોકોએ ગામની પડતર માંગણીઓ પૂરી ન થતા મતદાનનો બહિષ્કાર કર્યો છે. જેને પગલે સ્થાનિક તંત્ર દોડતું થયું છે. નર્મદામાં આદિવાસીઓએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર નર્મદામાં 314 ગામના આદિવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામોમાં પોતાની સ્વતંત્ર ગ્રામપંચાયત ન આપતા આદિવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. તેઓ છેલ્લા 6 મહિનાથી આ માંગ કરી રહ્યા છે, ત્યારે આજે 314 ગામોના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસીને વિરોધ કરી રહ્યાં છે.

બપોર સુધી 50 ટકા મતદાન થયાનો તંત્રનો દાવો
314 ગામમા મતદાનના બહિષ્કાર મામલે નર્મદા જિલ્લાના કલેક્ટર આઈ.કે. પટેલે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના 314 ગામના આમૂ સંગઠનના આગેવાનોએ મતદાનનો વિરોધ કરીને કલેક્ટર કચેરીના પ્રાંગણની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ અંગે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા તપાસ કરતા આ તમામ 314 ગામોમાં મતદાન શાંતિપૂર્ણ થતું હોવાનો તંત્રનો દાવો છે અને જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ કેટલાક ગામ આગેવાનો બહિષ્કાર કરી રહ્યા છે, પરંતુ આ તમામ 314 ગામોમાં મતદાન શાંતિ પૂર્ણ થઇ રહ્યું છે અને તેથી જ બપોર સુધીમાં 50 ટકાથી વધુ મતદાન જિલ્લામાં થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news