આસનસોલમાં હિંસા ભડકી, બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો કરી કાચ તોડી નાખ્યા
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનમાં 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળના આસનસોલમાં હિંસા ભડકી ઉઠી છે.
Trending Photos
આસનસોલ: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાનમાં 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળના આસનસોલમાં હિંસા ભડકી ઉઠી છે. જિલ્લામાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોની કાર પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આસનસોલના જ જેમુઆમાં એક પોલિંગ બૂથ પર સુરક્ષાદળો ન હોવાના કારણે ગ્રામીણો નારાજ છે. જેના કારણે તેમણે મતદાનનો બહિષ્કાર કર્યો છે. એક બૂથ પર ટીએમસી કાર્યકરો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું. ઝી ન્યૂઝની કાર ઉપર પણ હુમલો થયો.
આસનસોલમાં જેમુઆ પોલિંગ બૂથ સંખ્યા 222 અને 226 પર ગ્રામીણોએ કેન્દ્રીય સુરક્ષાદળોની ગેરહાજરીના પગલે વોટિંગનો બહિષ્કાર કર્યો છે. બૂથ નંબર 199માં ટીએમસીના કાર્યકરો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું. એક ટીએમસી પોલિંગ એજન્ટે જણાવ્યું કે બૂથમાં ભાજપનો કોઈ પોલિંગ એજન્ટ હાજર નથી.
બાબુલ સુપ્રિયોની કાર પર હુમલો
બીજી બાજુ ભાજપના વર્તમાન સાંસદ અને આસનસોલના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર ઉપર પણ પોલિંગ બૂથની બહાર કેટલાક લોકોએ હુમલો કરીને કાચ તોડી નાખ્યાં. સુપ્રિયોએ આ હુમલાનો આરોપ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'ચૂંટણીમાં ગડબડીનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.'
બાબુલ સુપ્રિયો અને મુનમુન સેન વચ્ચે મુકાબલો
આસનસોલથી ભાજપે વર્તમાન સાંસદ બાબુલ સુપ્રિયોને જ ઉમેદવાર બનાવ્યાં છે જ્યારે તેમની સામે તૃણમુલ કોંગ્રેસ તરફથી મુનમુન સેન ચૂંટણીના મેદાનમાં ટક્કર આપી રહ્યાં છે. નોંધનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ ટીએમસીના ડોલા સેનને હરાવ્યાં હતાં. તે વખતે સુપ્રિયોને 4,19,983 મતો મળ્યા હતાં. જ્યારે ડોલા સેનને 3,49,503 મતો મળ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે