આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

શુક્રવારે ભાજપના ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર એવા આશાબેન પટેલનો સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહીદ પાટીદાર પરિવારોને પૈસા અને નોકરીની ખાતરી આપીને રાજી કરવાની ચર્ચા કરી રહ્યા છે, આ ઓડિયોમાં તેઓ બ્રિજેશ પટેલ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, ઝી 24 કલાક દ્વારા બ્રિજેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલ સહિતના લોકોની આ મુદ્દે પ્રતિક્રિયા મેળવાઈ હતી.
 

આશાબેનના વાયરલ ઓડિયો વિશે લાલજી પટેલ સહિતના લોકોની પ્રતિક્રિયા

મહેસાણાઃ શુક્રવારે ભાજપના ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર એવા આશાબેન પટેલનો સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ શહીદ પાટીદાર પરિવારોને પૈસા અને નોકરીની ખાતરી આપીને રાજી કરવાની ચર્ચા કરી રહ્યા છે, આ ઓડિયોમાં તેઓ બ્રિજેશ પટેલ નામની વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, ઝી 24 કલાક દ્વારા બ્રિજેશ પટેલ, પાટીદાર અનામત આંદોલનના નેતા લાલજી પટેલ સહિતના લોકોની આ મુદ્દે પ્રતિક્રિયા મેળવાઈ હતી.

બ્રિજેશ પટેલે આશાબેન પટેલ સાથેની વાતચીત અંગે જણાવ્યું કે, "મને આશાબેન પટેલનો ફોન આપ્યો હતો. પાસમાંથી ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલ અને ભાવનગરના કોઈ વિમલ પટેલ છે, જેમને હું ઓળખતો નથી તેમનો ફોન આવ્યો હતો. વિમલ પટેલે રૂ.50 લાખની, ચિરાગ પટેલ દ્વારા રૂ.25 લાખ અને પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ દ્વારા રૂ.25 લાખની ઓફર આપવામાં આવી હતી. મને કુલ 80થી 85 લાખ આપીને માત્ર ને માત્ર હાર્દિકનો વિરોધ કરીને હાર્દિકની છબી બગાડવા માટે મને ઓફર કરાઈ હતી. વિમલ પટેલ નામના વ્યક્તિનો સીધો કોન્ટેક્ટ સીએમ સાથે છે, તેમણે હાર્દિક પટેલનો વિરોધ કરવા મને જણાવાયું હતું. આશાબેન પટેલ શહીદ પરિવારોનો ઉપયોગ કરીને મોટી લીડ સાથે જીતવા માગે છે. પરંતુ પાટીદાર સમાજ અને શહીદ પરિવારો હાર્દિક પટેલ સાથે જોડાયેલા છે."

એસપીજીના નેતા લાલજી પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "આશાબેનની ઓડિયો ક્લિપ ખરી છે કે ખોટી તે તપાસ થયા બાદ ખબર પડશે. ઓડિયો ક્લિપ અંગે પુષ્ટિ નથી. પરંતુ પાટીદાર સમાજ શહીદ પરિવારોની પડખે સતત ઊભા છે. અમારે રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. જો ઓડીયો ક્લિપ સાચી હશે તો પાટીદાર સમાજ 100 ટકા જવાબ આપશે. આ અંગે તપાસ કરીને હકીકત જાણ્યા બાદ આશાબેનને પુછવામાં આવશે અને તેમનો જવાબ માગીશું."

પાસ નેતા દિનેશ બાંભણિયાએ આ અંગે જણાવ્યું કે, "ભાજપ દ્વારા પાટીદાર આંદોલન સમિતીના લોકોને અને શહીદ પરિવારના લોકોને તોડવાના અનેક વખત પ્રયાસ કરાયા છે. આ દુખદાયક ઘટના છે કે શહીદ પરિવારોનો આ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશાબેન પટેલે કોંગ્રેસ છોડીને પહેલા સમાજ સાથે ગદ્દારી કરી હતી અને હવે ફરીથી પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરી રહ્યા છે. જો આવી રીતે સમાજના નામે વોટ માગતા હોય તો તેઓ સરપંચના પદને પણ લાયક નથી. જો આ ઓડિયો ક્લિપ સાચી હોય તો એક વાત સ્પષ્ટ થાય છે કે તેમણે સમાજ સાથે ગદ્દારી કરી છે."

કોંગ્રેસના અતુલ પટેલે આ અંગે જણાવ્યું કે, "આ ઓડિયો ઓથેન્ટિક હોય તો આ યોગ્ય નથી. મારો અનુભવ છે કે ભાજપ સામ-દામ-દંડ-ભેદ બધું જ કરીને આંદોલન પતાવવાની ફિરાકમાં હતું. પાર્ટી એક અભિયાન અગાઉથી ચલાવી રહી છે. આશાબેન માટે આ વાત યોગ્ય નથી. જો બેને આવું નિવેદન આપ્યું હોય તો તે દુઃખદ બાબત છે. સરકારે હજુ સુધી શહીદ પરિવારો માટેની કોઈ લાગણી સંતોષી નથી."

આશાબેન પટેલની વાતચીતમાં ભાજપના નેતા ચિરાગ પટેલનો ઉલ્લેખ થાય છે તેમણે આ અંગે કહ્યું કે, "આ એક પોલિટિકલ સ્ટન્ટ હોય એવું લાગી રહ્યું છે. આશાબેનના નામે સોશિયલ મીડિયામાં ખોટો ઓડિયો વાયરલ કરાયો છે. શહીદ પરિવારો માટે હું કામ કરી રહ્યો છું. કોંગ્રેસે આજ સુધી શહીદ પરિવારોની મુલાકાત લીધી નથી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news