લોકસભા-2019 જામનગર બેઠકઃ આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે?

જામનગરની લોકસભા બેઠક પર 1962થી 2014 સુધીમાં 8 વખત કોંગ્રેસ, 6 વખત ભાજપ અને બે વખત અન્ય પાર્ટીનો વિજય થયો છે. આ બેઠક પર ક્યારેય પણ એક પક્ષનો દબદબો રહ્યો નથી અને અહીં કાયમ પરિવર્તન જોવા મળ્યું છે 
 

લોકસભા-2019 જામનગર બેઠકઃ આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે?

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ જામનગરની લોકસભા બેઠક પર 1962થી 2014 સુધીમાં 8 વખત કોંગ્રેસ, 6 વખત ભાજપ અને બે વખત અન્ય પાર્ટીનો વિજય થયો છે. આ બેઠક પર ક્યારેય પણ એક પક્ષનો દબદબો રહ્યો નથી અને અહીં કાયમ પરિવર્તન જોવા મળ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સામે કોંગ્રેસ દ્વારા મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. આમ, આ બેઠક પર એક જ જ્ઞાતિ (આહિર)ના બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. આહિર વિ. આહિરના જંગમાં કોણ ફાવશે એ જોવાનું રહે છે. 

સાંસદનું રિપોર્ટ કાર્ડ
પૂનમ માડમે તેમના પાંચ વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન વિસ્તાર માટે કરવામાં આવેલા કાર્યોનું રિપોર્ટ કાર્ડ રજૂ કરાયું છે. આ બેઠકની સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન પણ તેમની સામે એક પણ કાર્યકર દ્વારા ચૂંટણી લડવાનો દાવો કરવામાં આવ્યો નથી અને માત્ર એક જ નામ બહાર આવ્યું હતું. જે દર્શાવે છે કે, પૂનમ માડમ સતત લોકો વચ્ચે રહ્યા છે અને પ્રજાએ તેમને સ્વીકૃતિ આપી છે. પૂનમ માડે જામનગર શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણી-રોડ સહિતના પ્રશ્નો, સરકારી હોસ્પિટલની જરૂરી સુવિધા જેવા કાર્યો કર્યા છે. 

લોકસભામાં વિધાનસભાની બેઠકો
જામનગર લોકસભા બેઠકમાં વિધાનસભાની 7 બેઠકોનો સમાવેશ થાય છે. 2017ની રાજ્ય વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ 7 બેઠકોમાંથી કોંગ્રેસે ચાર અને ભાજપે ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો હતો. 
વિધાનસભા બેઠક    વિજેતા
જામનગર-1           ભાજપ
જામનગર-2           ભાજપ
જામનગર ગ્રામ્ય    કોંગ્રેસ
કાલાવાડ              કોંગ્રેસ
જામજોધપુર         કોંગ્રેસ
ખંભાળિયા            કોંગ્રેસ
દ્વારકા                  ભાજપ

મતદારોની સંખ્યા
પુરુષ મતદાર    8,48,306
મહિલા મતદાર    7,87,786
કુલ મતદાર        16,36,116

જ્ઞાતિ આધારિત સમિકરણ
જામનગર લોકસભા વિસ્તારમાં પટેલ અને મુસ્લિમ મતદારો બહુમતિ સંખ્યામાં છે. આ ઉપરાંત, અહીં આહિર, રાજપુત, સતવારા, કોળી, ભરવાડ, રબારી, દલિત, બ્રાહ્મણ, વાણીયા, ભાનુશાળી, લોહારાણ સહિતની જ્ઞાતિઓના લોકોનો વસવાટ છે. 

પુનમબેન માડમ (ભાજપના ઉમેદવાર)

  • પુનમબેન માડમ(44 વર્ષ) યુવાન મહિલા ઉમેદવાર છે. 
  • આહિર સમાજના અગ્રણી પૂર્વ ધારાસભ્ય હેમંતભાઈ માડમના સુપુત્રી છે. 
  • સાંસદ તરીકે તેમને આ બીજી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી છે. 
  • આહિર સમાજના દરેક કાર્યક્રમોમાં હાજરી આપીને સક્રિયતા દર્શાવી છે. 
  • મોટાભાગના જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈને સક્રિય મહિલા નેતાની છાપ ધરાવે છે.
  • 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ માડમને બે લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. 
  • શહેરી વિસ્તારોમાં શિક્ષિત ઉમેદવાર તરીકેની ઓળખ. 

લોકસભા-2019 મહેસાણા સીટઃ પાટીદારોનો ઢોળ કોના તરફ ઢળશે કળવું અઘરું?

મુળુભાઈ આર. કંડોરિયા (કોંગ્રેસના ઉમેદવાર)

  • મુળુભાઈ કંડોરીયા(60 વર્ષ) પણ શિક્ષિત ઉમેદવાર છે. 
  • આહિર સમાજના અગ્રણી, જુદી-જુદી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિ. 
  • કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, જામનગરમાં અગ્રણી સામાજિક કાર્યકર તરીકે સમુહ લગ્નના કાર્યક્રમો યોજ્યા છે. 
  • સામાજિક કુરિવાજો દૂર કરવામાં વિશેષ યોગદાન આપ્યું છે. 
  • જામનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય હોવાને લીધે વિશાળ લોકસંપર્ક. 

લોકસભા ચૂંટણી 2019:  જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ અને મતદારો વિશે

કોંગ્રેસ માટે ઉજળા સંજોગો
જામનગર લોકસભા બેઠક માટે અગાઉ કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલનું નામ નક્કી કરાયું હતું. કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સ્થાનિક આહિર અગ્રણી મુળુભાઈ કંડોરિયાને ટિકિટ અપાઈ છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂત સમાજની બહુમતિ છે અને હાલ ખેડૂત સમાજ ભાજપથી નારાજ છે. રાજ્યમાં રોજગારની સમસ્યા હોવાને કારણે પણ યુવાન વર્ગમાં પણ ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. મુળુભાઈ કંડોરિયા છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે અને વેપારી વર્ગ તથા ઉદ્યોગ જગતમાં પણ તેઓ સારી લોકચાહના ધરાવે છે. 

જામનગરની મુળભૂત સમસ્યાઓ

  • પીવાના પાણીની કાયમી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. 
  • જિલ્લાના માત્ર 4 તાલુકા જ અછતગ્રસ્ત જાહેર કરાતાં પાકવિમાનો જટીલ પ્રશ્ન. 
  • જમીન માપણીના પાઈલટ પ્રોજેક્ટમાં જ વ્યાપક પ્રમાણમાં છબરડા જોવા મળતાં ખેડૂતોમાં રોષ. 
  • લાંબા અતરની રેલવેની માગણી સંતોષાઈ નથી. 
  • ઉદ્યોગો, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા જેવી પાયાની સમસ્યાઓનો ઉકેલ થયો નથી. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news