પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, BJPનો ટીએમસી કાર્યકરો પર 'બૂથ કેપ્ચરિંગ'નો આરોપ
રાયગંજથી ભાજપના ઉમેદવાર દેબાશ્રી ચૌધરીએ મીડિયા સાથે વાત કરતી વખતે ટીએમસીના કાર્યકરો પર રાયંગજ કોરોનેશન હાઈ સ્કૂલ પોલીંગ બૂથ સ્ટેશનમાં બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો.
Trending Photos
કોલકાતા: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કામાં આજે 11 રાજ્યોની 95 લોકસભા બેઠકો માટે વોટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળની 3 બેઠકો માટે મતદાન ચાલુ છે. બંગાળની જલપાઈગુડી, દાર્જિલિંગ અને રાયગંજ બેઠક પર મતદાન ચાલુ છે. વોટિંગ દરમિયાન રાયગંજથી હિંસાના અહેવાલો આવી રહ્યાં છે. રાયગંજના ચોપરા બૂથ સંખ્યા 159 પર હોબાળો મચ્યો છે. અહીં ભાજપના કાર્યકર્તાઓનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ મહિલાઓને મતદાન કરતા રોકી. ત્યારબાદથી ભડકેલા લોકોએ હાઈવે જામ કર્યો છે. પોલીસે હાઈવે ખુલ્લો કરવા માટે ભીડ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા પણ છોડ્યાં.
રાયગંજથી ભાજપના ઉમેદવાર દેબાશ્રી ચૌધરીએ મીડિયા સાથે વાત કરતી વખતે ટીએમસીના કાર્યકરો પર રાયંગજ કોરોનેશન હાઈ સ્કૂલ પોલીંગ બૂથ સ્ટેશનમાં બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, "ટીએમસીના કાર્યકરોએ બૂથ લૂંટવાની કોશિશ કરી. તેઓ મુસ્લિમો વચ્ચે પ્રચાર કરી રહ્યાં હતાં, આ કોઈ ચૂંટણી પ્રચાર થોડી છે."
આ બાજુ રાયગંજથી વર્તમાન સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમના કાફલા ઉપર હુમલાના અહેવાલો પણ છે. સીપીએમ ઉમેદવાર મોહમ્મદ સલીમની કાર પર હુમલો ઉત્તર દીનાઝપુર જિલ્લાના ઈસ્લામપુર ખાતે થયો છે. સીપીએમ નેતા સલીમે આરોપ લગાવ્યો કે તેમની કાર પર હુમલો ટીએમસીના કાર્યકર્તાઓએ કર્યો. રાયગંજ લોકસભા બેઠકથી ટીએમસીના કનૈયાલાલ અગ્રવાલ મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસે આ સીટ પરથી દીપાદાસ મુન્શી અને ભાજપે દેબશ્રી ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળની 3 બેઠકોના કેટલાક વિસ્તારોમાં સંવેદનશીલ ક્ષેત્રોને જોતા સુરક્ષા કારણોસર સુરક્ષા દળોની 194 ટુકડીઓ તહેનાત કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે