કોંગ્રેસે જાયન્ટ કિલર પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને ભાજપની ઊંઘ હરામ કરી
અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં આવતા ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા માટે ભાજપના નેતાઓમાં દોડધામ વધી છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી :અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં આવતા ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા માટે ભાજપના નેતાઓમાં દોડધામ વધી છે. આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ધામા નાખ્યા છે. મનસુખ માંડવીયાએ અમરેલીના પ્રબુદ્ધ નાગરિકો વકીલો, ડોકટરો સાથે સીધો સંવાદ કરીને 55 મહિનામાં પ્રધાનમંત્રી મોદીએ કરેલા કામોની જાણકારી આપીને ભાજપ પ્રત્યે વધુને વધુ મતદાન થાય તેવો પ્રયાસ કેન્દ્રીય મંત્રી માંડવીયા દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે જાયન્ટ કિલર ગણાતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે, ત્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલનના નેજા નીચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, દિલીપ સંઘાણી, જયંતિ કવાડીયા, સહિતના ભાજપના નેતાઓ અમરેલી બેઠક કબ્જે કરવા કમર કસી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ભાજપે જાહેર કરેલા મેનિફેસ્ટોના વખાણ કર્યા હતા. સાથે અમરેલી કોંગ્રેસના ધાનાણીને માત આપવા સાથે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાત્સવના વાણીવિલાસ અંગે જાણકારી ન હોવાનો નનૈયો ભણ્યો હતો ને ચૂંટણી પંચનો વિષય હોવાનું જણાવીને કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ભાજપના નેતાનો બચાવ કર્યો હતો.
સૌરાષ્ટ્રનો ગઢ સર કરવો ભાજપ માટે છે અધરું કામ
ભાજપ માટે સૌરાષ્ટ્રની બેઠકો જીતવી કોઈ કપરા ચઢાણથી ઓછી નથી. તેમાં પણ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પરફોર્મન્સ સાવ નબળુ રહ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં અમરેલીની તમામ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે કબજો મેળવ્યો હતો. ભાજપ પોતે પણ માને છે કે, સૌરાષ્ટ્રમાં તેમનુ પાસુ નબળુ છે, પણ સ્વીકારતી નથી. આ માટે જ ભાજપે કોંગ્રેસના નેતાઓને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકસભા બેઠકમાં તેમને ટિકીટ ફાળવી છે. પરંતુ પોતાનો ગઢ જાળવી રાખવા માટે કોંગ્રેસ પરેશ ધાનાણીને જ અમરેલીમાં ઉતાર્યા, જેથી ભાજપના પેટમાં સો ટકા પાણી રેડાયું છે. તેથી જ ભાજપે સૌરાષ્ટ્રમાં પોતાનો પ્રચાર વેગવંતો બનાવ્યો છે.
ગત 2014ના લોકસભાની વાત કરીએ તો સૌરાષ્ટ્રની સાતેય બેઠકો ભાજપ પાસે હતી, પરંતુ વિધાનસભામાં ચિત્ર બદલાયું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 49માઁથી 27 બેઠકો પર કોંગ્રેસે કબજો મેળવ્યો હતો. જેથી કહી શકાય કે, સૌરાષ્ટ્રની જનતાનો મિજાજ બદલાયો છે, અને સોરઠી પ્રજા પરિવર્તન ઈચ્છે છે.
પરેશ ધાનાણીની હટકે પ્રચાર સ્ટાઈલ
પોતાના ગઢમાં પરેશ ધાનાણી જીતવા માટે કોઈ કચાશ છોડવા માંગતા નથી. તેથી તેઓ પોતાના મતદારોને જાળવી રાખવા માટે હટકે સ્ટાઈલથી પ્રચાર કરવામાં લાગ્યા છે. તેમણે પ્રચાર માટે લોકો સુધી પહોંચવા ગ્રૂપ સભાઓ, ચોરા સભાઓનો સહારો લીધો છે. જેથી તેઓ લોકો સાથે સીધા સંપર્કમાં રહે.
પોતાની જીત વિશે શું માને છે પરેશ ધાનાણી?
પરેશ ધાનાણીએ પોતાની જીત વિશે કહ્યું કે, અમરેલી લોકસભામાં રણસંગ્રામ છે, અને સેનાપતિ તરીકેની જવાબદારી મારે સંભાળવી જોઈએ તેવું પક્ષનું કહેવુ છે. મને સંપૂપ્ણ વિશ્વાસ છે કે ગુજરાત 26 બેઠકોમાં કોંગ્રેસનો વિજય થશે. ગત ચૂંટણીમાં 26 બેઠકો પર વિજય અપાવીને ગુજરાતીઓએ નરેન્દ્રભાઈ મોદીને દિલ્હીનુ સુકાન આપ્યું હતું. ગુજરાતીઓ કહે છે, તમે અમારા થઈને અમારી સાથે જ વિશ્વાસઘાત કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે