હિંમતનગરમાં પીએમ મોદીનો લલકાર, 23મીએ ભલભલાની ગરમી આપણે કાઢી નાંખવાની છે
અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ હિંમતનગર પહોચ્યા હતા. તેમણે સભામાં કહ્યું કે, કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, પણ તમને અભિનંદન છે કે ટૂંકા ગાળામાં વ્યવસ્થા ફરી ઉભી કરી.
Trending Photos
ગુજરાત : લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. આજે તેઓ ગુજરાતમા ત્રણ સ્થળોએ સભા સંબોધન કરીને ભાજપનો પ્રચાર કરશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ હિંમતનગર પહોચ્યા હતા. તેમણે સભામાં કહ્યું કે, કાલે આટલું મોટું વાવાઝોડું આવ્યું, પણ તમને અભિનંદન છે કે ટૂંકા ગાળામાં વ્યવસ્થા ફરી ઉભી કરી.
વિપક્ષોને કહ્યું, કુદરતી આપદા પર કાવાદાવા ન કરે
કુદરતી આપદાને લઈને તેમણે કહ્યું કે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યની લડાઈ છે. જ્યાં જ્યા પ્રાકૃતિક આપદા આવી છે, ગુજરાત અને ભારત સરકાર તેમનુ ધ્યાન રાખે છે. મૃતકોના પરિવાર માટે મારી સંવેદના છે. તેમજ ખેડૂતોના નુકશાનનું પણ ધ્યાન રાખશે. સરકારી અધિકારીઓની તેની સૂચના અપાઈ દેવાઈ છે. મારી વિપક્ષોને વિનંતી છે કે, આવા સમયે કાવાદાવા ન કરે.
હિંમતનગર અને બોટાદે હંમેશા ગુજરાતને રાજકીય દિશા બતાવી
તેમણે કહ્યું કે, આજે મારી હિંમતનગરની હિંમત જોવી છે. હું અહી ઈઝરાયેલના પ્રધાનને લઈ આવ્યો હતો. એક જમાનો એવો હતો કે ભારતના વડાપ્રધાનને સાંબરકાઠા આવવાની ફુરસત ન હતી. આ એક જ વડાપ્રધાન એવો છે, જે અરવલ્લી-સાંબરકાંઠા-પંચમહાલની ગલીઓ જાણે છે. લોકોના નામ જાણે છે. આ વાતને લઈને તેમણે સભામાં ‘ફીર એક બાર મોદી સરકાર’નો નારો લગાવ્યો હતો. હિંમતનગર અને બોટાદે હંમેશા ગુજરાતને રાજકીય દિશા બતાવવાનું કામ કર્યું છે.
આખો પરિવાર જામીન પર છે
કોંગ્રેસ પર નિશાન તાકતા તેમણે કહ્યું કે, નેવાના પાણી મોભે ચઢાવવાની તાકાત આપણામાં છે. દેશને તો હમણા ખબર પડી, પણ તમને તો ખબર છે ને. મારા સમયમાં ગુજરાતનું નુકશાન દિલ્હીવાળાઓએ કર્યું હતું. ગુજરાત સરકાર તોડવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. એમને એવુ છે કે, આ ગુજ્જુ, આ ચાવાળો, અમારા ખાનદાનને જામીન લેવા પડે તેવું કરી નાંખ્યું. આખો પરિવાર જામીન પર છે. 5 વર્ષમાં તમારી છાતી ફૂલે તેવુ કામ અમે કર્યું છે. સરદાર અને મહાત્મા ગાઁધીની આ જ પરંપરા છે. ગુજરાત મારી પડખે ઉભુ છે, તે મારી મોટી તાકાત છે.
અર્થવ્યવસ્થામાં દેશને પહેલા ત્રણ ક્રમાંકમાં પહોંચાડવો છે
મહાગઠબંધન પર નિશાન તાકતા પીએમ મોદી બોલ્યા, આપણો દેશ અર્થવ્યવસ્થામાં પાછળ હતો, હવે 5 નંબર પર આવી ગયો છે. હવે દુનિયા પહેલા ત્રણ ક્રમાંકમાં પહોંચવાનો ઈરાદો છે. જે પક્ષ દેશમાં પૂરી સીટો પર લડી શક્તા નથી, તેઓ વડાપ્રધાન બનવા નીકળી ગયા છે. અલગ અલગ રાજ્યોમાંથી વડાપ્રધાન બનવાનો અવાજ આવે છે. આ ચૂંટણી નક્કી કરશે કે, રાષ્ટ્રવાદને જીવન માનનારા કે રાષ્ટ્રદ્રોહવાળાને મદદ કરનારાઓ દેશ ચલાવે. મોદીને ક્રેડિટ મળે કે ન મળે, કોંગ્રેસ મોદીનુ નામ બદનામ કરે છે. તેમના અધ્યક્ષ કેવી ભાષા બોલે છે. દરેકનો વિરોધ કરવાનો. હિંમતનગરમાં પથરા પડતા હતા, મોડાસામાં બહેનો સલામત નથી, આખા દેશમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા, પાંચ વર્ષમાં બધુ બંધ થઈ ગયું. આ લોકો આવુ બધુ કરતા હોય, તો મારે ચૂપ રહેવાનું?
હિંમતનગરમાં વડાપ્રધાને શું કહ્યું? જુઓ વીડિયો
ડિક્ષનરીની બધી ગાળો મારા માટે વાપરી નાંખી
પીએમ મોદી બોલ્યા કે, કોંગ્રેસે તેના ઢંઢેરામાં દેશદ્રોહનો કાયદો કાઢવા કહ્યું છે. કાશ્મીરમાં સેનાના ઓપરેશનમા પત્થરબાજો પત્થર મારે તો દેશદ્રોહ કહેવાય કે ના કહેવાય. ત્રિરંગાને સળગાવે તે દેશદ્રોહ કહેવાય. ત્રિરંગાનુ અપમાન કહેનારાઓને દેશદ્રોહ કહેવા તૈયાર નથી. આ પ્રવૃત્તિઓ દેશની સુરક્ષા, યુવાનો માટે ઘાતક છે. તેમનો રસ્તો ઘાતક છે. ગાંધીજીની કોંગ્રેસ તે જમાનામાં અંગ્રેજ ગોળીનો સહારો લેતી હતી, આઝાદી બાદ કોંગ્રેસ ગાલીબાજ બની ગઈ છે. ગાળોનો સહારો લઈ રહ્યું છે. અસત્ય અને ગાળો તેમનો રોજનો કાર્યક્રમ બની ગયો છે. આંધીની લહેર હુ આખા દેશમાં જોઈને આવ્યો છું. હું અહી હતો, ત્યારે ડિક્ષનરીની બધી ગાળો મારા માટે વાપરી નાંખી છે. પહેલા ચાવાળાને ગાળો આપતા, હવે ચોકીદાર ચોર, હવે આખો સમાજ ચોર.
ભૂલથી ત્યા બટન દબાવ્યું, તો બધુ ખેદાનમેદાન થઈ જશે...
તેમણે કહ્યું કે, આવા લોકો સામે બટન દબાવો, તો સાંજ સુધી બળતરા થાય. ભૂલથી ત્યા બટન દબાવ્યું, તો બધુ ખેદાનમેદાન, પહેલો વારો ગુજરાતનો. નહેરુથી શરૂ કરીને નામદાર સુધી, ચાર પેઢીને એક જ વાત ગરીબી અમે હટાવીશું. પણ તમે હટો ને, ગરીબી અમે હટાવી દઈશું. તમે હટતા નથી, તેથી ગરીબી પણ હટતી નથી. આ દેશનો ગરીબ હવે કહેવા લાગ્યો છે કે, જ્યારે કોંગ્રેસ હટશે, ત્યારે ગરીબી ઉભી પૂછડીએ ભાગશે. કોંગ્રેસ જે દિશા તરફ દેશને લઈ જવા માંગે છે, જે રીતે મોંઘવારી એમના જમાનામાં વધી હતી. રિમોટ કન્ટ્રોલવાળી સરકાર હતી. 2013-14ની ચૂંટણીમાં મોઁધવારી એક મુદ્દો હતો. અમે મોંઘવારીને કન્ટ્રોલમાં કરી છે. કોંગ્રેસના જુઠ્ઠાણા અને નિયતિ તેમના ઢંઢેરાથી સ્પષ્ટ થઈ ગઈ છે.
સરદારના દીકરી પર ગુસ્સો કાઢ્યો
પીએમ બોલ્યા કે, જે નિર્ણયો અમે કરતા હોઈએ છીએ, તેને પૂરા કરવાનો પ્રયાસ કરીએ છીએ. બીજી બાજુ, વંશવાદ, પરિવારવાદથી ગુજરાતને બચાવવુ છે. સરદાર સાહેબની દીકરી મણિબેન સામે જોવા પણ તેઓ તૈયાર ન હતા. જ્યા સુધી મણિબેન જીવ્યા, ત્યા સુધી તેમનો ગુસ્સો મણિબેન પર નીકળ્યો. પછી મોરારજીભાઈ સાથે એવુ કર્યું.
23મીએ ભલભલાની ગરમી કાઢી નાંખવી
તેમણે કહ્યું કે, ફરી એકવાર ગુજરાત પાસેથી 26 કમળના આર્શીવાદ લેવા આવ્યો છું, ગુજરાતમાં કમળ દબાવશો, તે મોદીના ખાતામાં જવાનુ છે. જે ચોકીદારને ચોર કહેતા હતા, તેઓને આપણે તગડો જવાબ આપ્યો છે. દેશનો ચોકીદાર મજબૂત હોવો જોઈએ. 23મી તારીખે ભલભલાની ગરમી આપણે કાઢી નાંખવાની છે.
પીએમ મોદીની હિંમતનગરમાં જાહેર સભામાં સાબરકાંઠા, અમદાવાદ પૂર્વ અને પંચમહાલ બેઠકના ત્રણેય ઉમેદવારો હાજર રહ્યા છે. સાંજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ત્રણ જીલ્લાની એક સાથે સભાનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેડા ,વડોદરા અને આણંદ લોકસભાના ભાજપના ઉમેદવારોની જાહેર સભા રાખવામાં આવી છે. હિંમતનગર બાદ તેઓ સુરેન્દ્રનગર અને આણંદમાં જનસભાને સંબોધિત કરશે. સાંજે આણંદમાં સભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી મોદી રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે.
કોંગ્રેસના ગઢમાં પીએમ કરશે વાર
કોંગ્રેસની મજબૂતી વાળી બેઠકો પર પીએમ મોદીની સભાઓ ગોઠવવામાં આવી છે. કોંગ્રેસ આણંદ અને સુરેન્દ્રનગર બેઠક જીતવા માટે આશ્વાસ્ત છે ત્યારે પીએમની સભાઓ ત્યાં થઇ રહી છે. જ્યારે બીજા દિવસે એટલે કે 18મીએ સવારે પીએમ મોદી અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. જ્યાં કોંગ્રેસ તરફથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં છે . ગઇકાલે જ પરેશ ધાનાણીના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જંગી સભા સંબોધી હતી. ત્યારે પીએમની આ મુલાકાતથી સૌરાષ્ટ્રમાં ચૂંટણીપ્રચાર રસપ્રદ બનશે. પીએમ મોદી આવતીકાલે રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે